ઊના અને ગીરગઢડા પંથકની જીવાદોરી સમાન મછુન્દ્રી નદી પર આવેલો દ્રોણેશ્વર ડેમ હાલ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. અંદાજે ૩૦ ફૂટની ઊંડાઈ ધરાવતા આ ડેમમાં વર્ષોથી માટીનો કાપ જમા થવાને કારણે હાલ માત્ર ૮ ફૂટ જેટલો જ પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ આખી પરિસ્થિતિ પાછળ વહીવટી તંત્રની ભારે ઉદાસીનતા જવાબદાર છે, કારણ કે ડેમના નિર્માણ બાદ ક્યારેય તેમાંથી કાપ કાઢવામાં આવ્યો જ નથી. જો ચોમાસા પહેલાં તંત્ર દ્વારા ખેડૂતોને પોતાના ખર્ચે પણ માટી લઈ જવાની મંજૂરી આપવામાં આવે, તો સરકારના કરોડો રૂપિયા બચશે અને ખેડૂતોને ખેતી માટે ફળદ્રુપ માટી મળશે. આ આયોજનથી સ્થાનિક ૧૦ ગામોની પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાશે.







































