રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે અમરેલી તાલુકાના લાલાવદર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. અંદાજિત રૂ. ૧.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનારી આ નવી પ્રાથમિક શાળા તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરના બાળકોને ગુણવત્તાયુક્ત અને સુવ્યવસ્થિત શિક્ષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ મકાન તૈયાર થવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે, જે ગ્રામ્ય શિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિકાસની ગતિ અમરેલી, વડીયા અને કુંકાવાવ તાલુકાઓમાં શિક્ષણના સર્વાંગી વિકાસ માટે આયોજનબદ્ધ રીતે શાળાઓના નિર્માણની કામગીરી ચાલી રહી છે. મંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન શરૂ થતા નવી સુવિધાઓના કારણે શાળાઓમાં બાળકોની સંખ્યા વધશે અને ડ્રોપ-આઉટ રેશિયો પણ ઘટશે. આ કાર્યક્રમમાં અગ્રણી અતુલભાઈ કાનાણી, ચેતનભાઈ ધાનાણી તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.