અમરેલી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અને નાસતા ફરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે લાખો રૂપિયાની ઉચાપતના ગુનામાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.૪૦.૩૪ લાખની સૂકી મચ્છી (બુમલા)ની ઉચાપત અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા મુખ્ય આરોપી ઇબ્રાહીમ ઉર્ફે જંડુ નુરમહમદભાઇ મેરને અમરેલી પેરોલ-ફર્લો સ્કવોર્ડે નવા બંદર ખાતેથી દબોચી લીધો છે. વર્ષ ૨૦૨૫ના ડિસેમ્બર માસમાં ટ્રક ચાલક અને ક્લીનરે પશ્ચિમ બંગાળ મોકલવાનો ૧૨ ટનથી વધુનો માલ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હતો, જેમાં આ મચ્છી વેપારીની મદદગારી ખૂલી હતી. એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.જી. સાપરા અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોચ ગોઠવી આરોપીને ઝડપી જાફરાબાદ મરીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.