ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ અને દાનમાં કથિત ગેરરીતિઓ અંગે એસઆઇટીએ સુપ્રીમ કોર્ટમાં તેનો નવીનતમ અહેવાલ સુપરત કર્યો છે. કોર્ટના આદેશ મુજબ, એસઆઇટીએ જણાવ્યું છે કે તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે અને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ચાર્જશીટ દાખલ કરી શકાય છે.
એસઆઇટીના રિપોર્ટ મુજબ, આ કેસમાં મંદિરમાં મળેલા પ્રસાદ અને દાનમાં અનધિકૃત ઉપાડ અને ગેરઉપયોગના આરોપો સામેલ છે. ૨૫ જૂન, ૨૦૨૬ ના રોજ અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આઠ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો, બેંક રેકોર્ડ, મોબાઇલ ડેટા અને અન્ય દસ્તાવેજાની તપાસ કરવામાં આવી હતી.
એસઆઇટી રિપોર્ટમાં જણાવાયું છે કે પીએફસી બિલ્ડિંગમાં મંદિરના ગણતરી ખંડના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આમાં ગણતરી ખંડમાંથી પરવાનગી વિના રોકડ ઉપાડવામાં આવી હોવાના અથવા છુપાવવામાં આવ્યા હોવાના ૧૦૫ કિસ્સાઓ બહાર આવ્યા છે. રિપોર્ટ મુજબ, આ ઘટનાઓમાં કેટલાક અન્ય વ્યક્તિઓએ પણ મદદ કરી હતી. એસઆઇટીએ સીસીટીવી અને અન્ય પુરાવાઓના આધારે આઠ આરોપીઓની ઓળખ કરી છે. તેમની બેંક થાપણો અને મિલકત અંગેની માહિતી પણ રિપોર્ટમાં શામેલ છે.
રિપોર્ટ મુજબ, ૮૦૩ કિંમતી વસ્તુઓની રસીદો અને રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. આ વસ્તુઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના લોકરમાં રાખવામાં આવી હતી, અને લોકર્સનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસઆઇટી અનુસાર, આ ૮૦૩ વસ્તુઓમાં કોઈ ગેરરીતિ જાવા મળી નથી. ૮૬ કિંમતી વસ્તુઓ એવી હતી જેની રસીદો જારી કરવામાં આવી ન હતી. આ વસ્તુઓ અલગથી ઓળખવામાં આવી હતી અને ભૌતિક રીતે ચકાસવામાં આવી હતી.
એસઆઇટીએ આશરે ૯૪૪.૪૧૧ કિલો સફેદ ધાતુ સંબંધિત રેકોર્ડની પણ તપાસ કરી, જે ચાંદી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેણે મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવેલા ચાંદીના દાન સંબંધિત વિવિધ દાવાઓની પણ તપાસ કરી. રિપોર્ટ મુજબ, ૨૦૦ કિલો અને ૩૮.૨૮૮ કિલો ચાંદીની ઇંટો, ચાંદીના હાર, ચરણ પાદુકા અને રામચરિતમાનસના દાનની તપાસમાં કોઈ ગેરરીતિ જાવા મળી નથી.
એસઆઇટીએ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ૧૭૩ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. આમાં ટ્રસ્ટના અધિકારીઓ, એકાઉન્ટીગ વિભાગના કર્મચારીઓ, બેંક અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ સીસીટીવી ઓપરેટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ અને અન્ય સંબંધિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
એસઆઇટીએ જણાવ્યું હતું કે તપાસ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે અને કાયદા હેઠળ જા જરૂર પડે તો ચાર્જશીટ દાખલ થયા પછી પણ વધુ તપાસ હાથ ધરી શકાય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચાર્જશીટ દાખલ થયા પછી તેની નકલ કોર્ટમાં રજૂ કરવી જોઈએ. આ કેસમાં આગામી સુનાવણી ૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ થશે.