રાજ્યસભા ચૂંટણીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની ચૂંટણી પિટિશન દાખલ કરવામાં આવી છે. ભાજપના રાજ્યસભા સાંસદ રાજેશભાઇ પરમાનંદભાઇ શુકલાની ચૂંટણીને પડકારતી આ પિટિશન કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી છે. પિટિશન પર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે રાજેશ પરમાનંદ શુક્લા સહિત સંબંધિત પક્ષકારોને નોટિસ ઇશ્યૂ કરી છે.
ચૂંટણી પિટિશનમાં રાજેશ શુક્લાની ઉમેદવારી દરમિયાન રજૂ કરવામાં આવેલા સોગંદનામાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદાર પક્ષનો દાવો છે કે ઉમેદવારીના એફિડેવિટમાં રાજેશભાઈ સામે નોંધાયેલા ફોજદારી કેસની જરૂરી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મુદ્દાને ચૂંટણી પિટિશનમાં મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે.
પિટિશનમાં જણાવ્યા મુજબ, રાજેશભાઈ શુક્લા સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ફોજદારી કેસ નોંધાયેલો હોવા છતાં ઉમેદવારીના સોગંદનામામાં આ કેસની વિગતો જાહેર કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદાર પક્ષે કોર્ટ સમક્ષ સવાલ ઉઠાવ્યો છે કે ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી ચાલી રહી હોય તો ચૂંટણી ઉમેદવારી સમયે તેની વિગતો સોગંદનામામાં જાહેર કરવાની કાનૂની જવાબદારીનું પાલન થયું હતું કે નહીં.
આ ઉપરાંત, સંબંધિત ફોજદારી કેસને રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન પણ દાખલ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ચૂંટણી પિટિશનમાં કરવામાં આવ્યો છે. અરજદાર પક્ષે આ સમગ્ર પરિÂસ્થતિને ઉમેદવારીના સોગંદનામા સાથે જાડીને કોર્ટ સમક્ષ રજૂ કરી છે અને દાવો કર્યો છે કે કેસ સંબંધિત જરૂરી માહિતી એફિડેવિટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી નહોતી.
ચૂંટણી પિટિશનમાં માત્ર સોગંદનામાની વિગતોનો મુદ્દો જ નહીં, પરંતુ આ કથિત બિનજાહેરાતની અસર રાજેશભાઈ શુક્લાની રાજ્યસભા ચૂંટણીની માન્યતા પર પડે છે કે નહીં તે અંગે પણ કોર્ટ સમક્ષ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અરજદાર પક્ષે રાજેશભાઈ શુક્લાની રાજ્યસભા ચૂંટણી રદ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં કાર્યવાહી શરૂ કરી છે.
અરજદાર ડા તુષાર ચૌધરી તરફથી એડવોકેટ શક્તિસિંહ ગોહિલ અને એડવોકેટ ચિંતન ચાંપાનેરીએ હાઇકોર્ટમાં રજૂઆતો કરી હતી. વકીલો દ્વારા ઉમેદવારીના સોગંદનામામાં દર્શાવવામાં આવેલી વિગતો, ફોજદારી કેસ અને ક્વોશિંગ પિટિશન સહિતના મુદ્દાઓ કોર્ટના ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે હાલ આ પિટિશનના આક્ષેપો અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી, પરંતુ સંબંધિત પક્ષકારોને નોટિસ ઇશ્યૂ કરીને તેમનો જવાબ માંગ્યો છે. હવે પ્રતિવાદી પક્ષ દ્વારા કોર્ટ સમક્ષ શું જવાબ રજૂ કરવામાં આવે છે અને સોગંદનામામાં ફોજદારી કેસની વિગતો અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે આગામી સુનાવણીમાં મહત્વનું રહેશે.
આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય હાઇકોર્ટની આગળની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે. હાલના તબક્કે ચૂંટણી પિટિશનમાં કરવામાં આવેલા આક્ષેપોના આધારે કાર્યવાહી આગળ વધી રહી છે અને નોટિસ ઇશ્યૂ થવી એ આક્ષેપો કોર્ટ દ્વારા સાબિત કરવામાં આવ્યા હોવાનું માનવું નહીં, પરંતુ કેસમાં સંબંધિત પક્ષકારોનો જવાબ માંગવામાં આવ્યો હોવાનો તબક્કો છે.








































