અમરેલી જિલ્લામાં માર્ગ અને પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક વિકાસકાર્યની શરૂઆત કરવામાં આવી છે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ ખાતે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ પામનારા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા બનાવવામાં આવનારા આ પુલની લંબાઈ ૬ મીટર રહેશે અને તેમાં બે સ્પાનનું આયોજન કરાયું છે. આ પુલ બનવાથી સ્થાનિક વિસ્તારના લોકો તથા વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બનશે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. માલવણનું આ પુલ નિર્માણકાર્ય તેનું વધુ એક ઉદાહરણ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણી મધુભાઈ હરખાણી, પી. વી. વસાણી, સ્થાનિક સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































