અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ વધુ મજબૂત બનાવવાની દિશામાં કુંકાવાવ તાલુકાના જીથુડી મુકામે જીથુડી-રાંઢીયા માર્ગના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. ૨ કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યનો પ્રારંભ થયો હતો.માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરાનારા આ કામથી માર્ગની સપાટી વધુ સુદૃઢ બનશે અને સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ માળખું મજબૂત બનાવવા અને પરિવહન વ્યવસ્થા સુગમ બનાવવા માટે આ કાર્ય મહ¥વપૂર્ણ બની રહેશે.રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. કાર્ય પૂર્ણ થતાં સ્થાનિક લોકોને વધુ સારી માર્ગ સુવિધાનો લાભ મળશે અને દૈનિક અવરજવર સરળ બનશે.આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણી મધુભાઈ હરખાણી, પી. વી. વસાણી, સ્થાનિક સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





































