રાજુલામાં રહેતા અને ખેતીકામ કરતા ખોડાભાઈ કાનાભાઈ મકવાણાએ (ઉ.વ.૫૫) બચુભાઈ વેલાભાઈ જીંજાળા, ભરતભાઈ બચુભાઈ જીંજાળા તથા વિશાલભાઈ બાબુભાઈ જીંજાળા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, ખોડાભાઈની વાડી બચુભાઈ જીંજાળાના ખેતરના શેઢે આવેલી છે અને બંનેની વાડીએ જવાનો રસ્તો એક જ છે. આ રસ્તો આરોપીઓ ખોદીને બંધ કરતા હતા, જેથી ખોડાભાઈએ રસ્તો બંધ કરવાની ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપી ઝઘડો કર્યો હતો.ત્યારબાદ ખોડાભાઈ પોતાની વાડીએ જઈને દવા છાંટતા હતા, તે વખતે આરોપીઓ લોખંડની ટી, કુહાડી અને છરી જેવાં હથિયારો લઈને ત્યાં આવ્યા હતા. આરોપીઓએ વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ગાળો આપી હતી અને રસ્તો બંધ ન કરવાનું કહ્યું હતું તે વાતનું મનદુઃખ રાખી હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો.આરોપીઓએ કુહાડી વડે ડાબા પગના નળાના ભાગે બે-ત્રણ ઘા માર્યા હતા. આ ઉપરાંત છરી વડે બંને હાથના પંજા તેમજ ડાબા હાથના બાવડાના ભાગે ઈજાઓ પહોંચાડી ટાંકા આવે તેવી તથા હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ કરી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી. એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































