રાજુલા પંથકમાં બેફામ ગતિએ વાહન ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. સામેથી પૂરઝડપે આવતા સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાલકે ફરિયાદીના મોટરસાઇકલ સાથે ભટકાડી દેતા ફરિયાદીને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. વકીલાતનો વ્યવસાય કરતાં રાકેશકુમાર ભાનુશંકર જોષી (ઉ.વ.૫૦) એ સ્પ્લેન્ડર મો.સા. આર.ટી.ઓ રજી. નં.GJ-11-AA-4253ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના મોટરસાઇકલ (રજી. નં.GJ-14-AM-8800) લઈને જઈ રહ્યા હતા. તે સમયે સામેની દિશામાંથી સ્પ્લેન્ડર મોટરસાઇકલ (રજી. નં. GJ-11-AA-4253)નો ચાલક પૂરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે વાહન હંકારીને આવ્યો હતો. આરોપીએ પોતાનું મોટરસાઇકલ માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવીને તેમના મોટરસાઇકલ સાથે જોરદાર રીતે ભટકાડી દીધું હતું. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જમણા પગના અંગૂઠા ઉપર ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જી મોટરસાઇકલ ચાલક ઘટના સ્થળેથી તાત્કાલિક નાસી ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એસ. બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































