ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે ત્યારે શુક્રવારે ફરીવાર રાજુલામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધાતરવાડી ડેમ-૨માં ફરી પાણીની આવક વધતા એક સાથે ૧૦ દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, ઉચૈયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, કોવાયા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રુપેણ નદીમાં ફરીવાર પૂર આવ્યું છે. ઉના શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા છ-સાત દિવસથી પડી રહેલાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. હવે સરકાર સહાય કરે તે માટે ખેડૂતો મીટ માંડીને બેઠા છે.










































