આફ્રિકન દેશ માલીની રાજધાની બામાકોમાં શનિવારે હુમલાઓ થયા હતા. રાજધાનીના મોદીબો કીટા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગોળીબારનો અવાજ સંભળાયો હતો, જે માલી એરફોર્સના એર બેઝની નજીક છે. શનિવારે સવારે બંદૂકધારીઓએ રાજધાનીને અડીને આવેલા અનેક શહેરોમાં હુમલો કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓએ કહ્યું છે કે આ એક સંભવિત આયોજિત હુમલો હતો, જે અનેક સ્થળોએ એક સાથે કરવામાં આવ્યો હતો. હુમલામાં અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટનો હાથ હોવાની શંકા છે. જાકે, હજુ સુધી કોઈ જૂથે હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી.
માલીની સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અજાણ્યા સશસ્ત્ર આતંકવાદી જૂથોએ રાજધાનીમાં ચોક્કસ સ્થળો અને બેરેકને નિશાન બનાવ્યા હતા. સૈનિકો હાલમાં હુમલાખોરોને ભગાડવામાં રોકાયેલા છે. માલીને અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જાડાયેલા જૂથો તરફથી હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેના ઉત્તરમાં અલગતાવાદી બળવા સામે લડી રહી છે.
બામાકોમાં એક એસોસિએટેડ પ્રેસ પત્રકારે શહેરના કેન્દ્રથી ૧૫ કિલોમીટર (૯ માઇલ) દૂર સ્થિત મોદીબો કીટા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ભારે ગોળીબાર અને ઓટોમેટિક રાઇફલ ગોળીબાર સાંભળ્યો હોવાનો અહેવાલ આપ્યો હતો. હેલિકોપ્ટર પણ આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા જાવા મળ્યા હતા.
માલી અને અન્ય શહેરોમાં રહેવાસીઓએ ગોળીબાર અને વિસ્ફોટોની જાણ કરી હતી, જે સશસ્ત્ર જૂથો દ્વારા સંભવિત સંકલિત હુમલાનો સંકેત આપે છે. કિડાલના ભૂતપૂર્વ મેયરે જણાવ્યું હતું કે બંદૂકધારીઓ ઉત્તરપૂર્વીય શહેર કિડાલમાં પ્રવેશ્યા અને ઘણા વિસ્તારો કબજે કર્યા. તેઓએ સેના સાથે ગોળીબાર કર્યો.
વિસ્ફોટોની તીવ્રતા મારા ઘરના દરવાજા અને બારીઓ હચમચાવી રહી છે. હું ભયથી ધ્રૂજી રહ્યો છું. એકબીજાની બાજુમાં આવેલા આર્મી કેમ્પ અને એરપોર્ટ નજીક ગોળીબાર થઈ રહ્યો છે.
અઝાવાદ લિબરેશન ફ્રન્ટના પ્રવક્તા મોહમ્મદ એલમોઉલૌદ રમઝાને ફેસબુક પર જણાવ્યું હતું કે તેમના દળોએ કિડાલ અને ગાઓ (ઉત્તરપૂર્વીય શહેર) ના ઘણા વિસ્તારો કબજે કર્યા છે. ગાઓના એક રહેવાસીએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ગોળીબાર અને વિસ્ફોટો શરૂ થયા હતા અને મોડી સવાર સુધી સંભળાતા હતા.
માલી, તેના પડોશી દેશો નાઇજર અને બુર્કિના ફાસો સાથે, લાંબા સમયથી અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જાડાયેલા સશસ્ત્ર જૂથો સામે લડી રહ્યું છે. વિશ્લેષકો કહે છે કે તાજેતરના દિવસોમાં માલી, નાઇજર અને બુર્કિના ફાસોમાં સુરક્ષા પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બગડી છે. અહીં હુમલાઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં નાગરિકોને વધુને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.










































