રાજુલાના નિંગાળા-૧ ગામે “તું હવે ફોન કે મેસેજ કરતો નહીં” તેમ કહેતાં યુવકને મૂંઢ મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભોળાભાઈ રામભાઈ શીયાળ (ઉ.વ. ૪૫)એ લાલજીભાઇ બીજલભાઇ શીયાળ, બીજલભાઇ રામભાઇ શીયાળ, વિષ્ણુભાઇ તથા જયાબેન સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે ૧૫ દિવસ પહેલાં તેમની ભત્રીજીના ફોનમાં આરોપી લાલજીભાઇએ ફોન કર્યો હતો. જે બાબતે તેમણે લાલજીભાઇને “તું હવે ફોન કે કોઈ મેસેજ કરતો નહીં” તેમ કહ્યું હતું. જેનું મનદુઃખ રાખી આ ત્રણેય બાપ-દીકરાએ તથા જયાબેને શરીરે જેમ ફાવે તેમ મૂંઢમાર મારી ગાળો આપી હતી. બીજલભાઈએ કુહાડીનો એક ઘા માથાના જમણી બાજુ મારી છ ટાંકાની ઈજા કરી હતી. લાલજીભાઇએ તથા વિષ્ણુભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ બીજલભાઈ રામભાઈ શીયાળ (ઉ.વ. ૪૮)એ ભોળાભાઇ રામભાઇ શીયાળ, ધનાભાઇ રામભાઇ શીયાળ, વિક્રમભાઇ ધિરૂભાઇ શીયાળ તથા રાકેશભાઇ ધીરૂભાઇ શીયાળ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે ૧૫ દિવસ પહેલાં ભોળાભાઈ શીયાળે તેમને વાત કરી હતી કે, તેમનો દીકરો લાલજી તેમની ભત્રીજીના ફોનમાં મેસેજ કે ફોન કરે છે, જેથી તેને સમજાવી દેશો.
જેથી તેમણે કહ્યું હતું કે “મારો દીકરો હશે તો ફોન નહીં કરે, હું સમજાવી દઈશ, હવે ફોન નહીં કરે.” જે વાતનું મનદુઃખ રાખી લાલજીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જેથી તેઓ ભોળાભાઇને સમજાવવા જતાં પાઇપનો એક ઘા માથાના ભાગે માર્યો હતો. તેમજ અન્ય આરોપીઓએ પણ તેમની પત્ની અને દીકરાઓને મૂંઢ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝિંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































