અમરેલી ખાતે આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આઝાદી માટે સર્વસ્વ કુરબાન કરનાર ક્રાંતિવીરોના બલિદાન અને રાષ્ટ્રભક્તિના વિચારોને કેન્દ્રમાં રાખીને યોજાનારા મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં સશક્ત નારીશક્તિનો પરચમ જોવા મળશે. આ પ્રસંગે યોજાનારી મહિલા રાયફલ ડ્રીલ લોકો માટે મુખ્ય આકર્ષણ બનશે.મુખ્ય કાર્યક્રમને યાદગાર બનાવવા માટે અમરેલી ખાતે પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સની સઘન પ્રેક્ટિસ ચાલી રહી છે. મહિલા તાલીમાર્થીઓ દ્વારા રાયફલ ડ્રીલમાં વિવિધ ફોર્મેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની કુલ ૭૫ મહિલા તાલીમાર્થીઓ આ ડ્રીલમાં ભાગ લેશે. તાલીમાર્થીઓ દ્વારા રાયફલને હાથમાં ફેરવવા સહિતની જટિલ કસરતો, ગોળ સર્કલ બનાવી વિવિધ મુદ્રાઓ અને એકસાથે શિસ્તબધ્ધ રીતે વિવિધ કસરતોનું પ્રદર્શન કરવામાં આવશે. મહિલા પોલીસની તેજી, સ્ફૂર્તિ અને શિસ્તપૂર્ણ પ્રસ્તુતિ દેશભક્તોમાં ઉત્સાહની લાગણી જગાવશે.






































