મૈત્રી કરારથી સાથે રહેતી એક મહિલાને તેના પૂર્વ પતિના ભાઈ (દિયર) દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં, ગભરાઈ ગયેલી મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. હાલ મહિલા અર્ધબેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.ઘટનાની મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના મદારગઢ ગામે રહેતા દેવાભાઈ નામના શખ્સે ભોગ બનનાર પાયલબેનના હાલના મૈત્રી કરારવાળા પતિ રસીકભાઈ ચારોલાના પિતા બાવચંદભાઈ ચારોલા સાથે વાતચીત કરી હતી. પાયલબેનના પ્રથમ પતિનું વર્ષો અગાઉ અવસાન થયું હતું. વાતચીત દરમિયાન દિયર દેવાભાઈએ ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, “રસીક અને પાયલ જ્યાં પણ મળશે તેમને મારી નાખવાના છે અને જીવતા છોડવાના નથી.”દિયર દ્વારા આપવામાં આવેલી આ સીધી ધમકી અને માનસિક ત્રાસથી ગભરાઈ ગયેલા પાયલબેનને ભારે લાગી આવ્યું હતું. આઘાતમાં આવીને તેમણે શેલ ખંભાળીયા ગામે આવેલી વાડી-ખેતરમાં ઘાસચારા પર છંટકાવ કરવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરની અસર થતાં જ તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ અર્ધબેભાન અવસ્થામાં હોવાથી નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી.