રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિથી ખળભળાટગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ અને કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ ઇન્દ્રનીલભાઈના આ નિર્ણયથી કોંગ્રેસ છાવણીમાં મોટી ચિંતા પ્રસરી છે.
પોતાની નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, હવેથી તેઓ કોઈપણ રાજકીય કે સામાજિક પ્રસંગોમાં હાજરી આપશે નહીં. જાકે, તેમણે પક્ષ પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવતા ઉમેર્યું કે, “કોંગ્રેસ પક્ષને જ્યારે પણ માનસિક કે આર્થિક મદદની જરૂર હશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ, પરંતુ જાહેરમાં મારી હાજરી કોઈ કાર્યક્રમમાં જાવા મળશે નહીં.”
૨૬ જૂન ૧૯૬૬ના રોજ જન્મેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટના સૌથી પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે. તેમણે આઠ વર્ષ પહેલા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી લડીને સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું. રાજકીય કારકિર્દીમાં ઉથલપાથલ વચ્ચે, થોડા સમય પહેલા તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા, પરંતુ ત્યાં લાંબો સમય ટકી શક્યા નહીં અને આંતરિક નારાજગીને કારણે અંતે ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનો મોટો ચહેરો હતા. તેમની પાસે મોટું જનસમર્થન અને આર્થિક તાકાત પણ છે. સેન્સ પ્રક્રિયા (ટિકિટ ફાળવણી) ચાલી રહી હોય ત્યારે જ તેમનું નિવૃત્ત થવું એ ભાજપ માટે રસ્તો સરળ બનાવી શકે છે અને કોંગ્રેસના કાર્યકરોના મનોબળને તોડી શકે છે.