ગુજરાતના પોલીસ બેડામાં રાજ્ય સરકારે મોટો ફેરબદલ કર્યો છે. રાજ્ય સરકારે ૩૭ આઇપીએસ ઓફિસરોની ગઈકાલે બદલીના આદેશ કર્યા. જેમાં રાજ્ય સરકાર તરફખી અલગ પ્રયોગ જાવા મળ્યો. ગૃહ વિભાગ સંભાળી રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણ મહિલા આઇપીએસ ઓફિસરોને મોટી જવાબદારી સોંપીને વિમેન્સ ડેની મોટી ભેટ આપી છે.
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેના બે દિવસ પહેલા સરકારે શક્તિનો પ્રયોગ કર્યો. પોલીસ બેડમાં મોટા બદલાવ કરીને રાજ્યના ૩૭ આઇપીએસ ઓફિસરોને નવા પોસ્ટીંગ આપ્યા છે. તેમાં નાયબ મુખ્યમંત્રીએ હંમેશાની જેમ હટકે નિર્ણયો લઈને સૌને ચોંકાવી દીધા છે. રાજ્યમાં પહેલીવાર એવું થયું કે, ત્રણ મહિલા આઇપીએસ ઓફિસરોને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આઈપીએસની નવી પોસ્ટીંગમાં ગૃહ વિભાગે આઇપીએસ ગગનદીપ ગંભીર, પરિક્ષિતા રાઠોડ અને વિધિ ચૌધરીને મોટી જવાબદારી આપી. પરિક્ષિતા રાઠોડ અને વિધિ ચૌધરીને રેન્જની કમાન સોંપવામાં આવી છે, તો અત્યાર સુધી અમદાવાદ સિટી પોલીસમાં તૈનાત ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) માં પોસ્ટીંગ અપાયું છે.
સૂત્રોની માનીએ તો, ગત વર્ષે તત્કાલીન ગુજરાત ડીજીપી વિકાસ સહાયના રિટાયર્ડમેન્ટ બાદ તેમની જગ્યા પર આવેલા આઈપીએસ ડો.કે.એલ.એન રાવ નવા બદલાવ લાવી રહ્યાં છે. અત્યાર સુધી રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકે કામ કરી રહેલા ડો.રાવે ચાર્જ સંભાળ્યા બાદ આ પોલીસ બેડામાં આવેલો સૌથી મોટો બદલાવ છે. ડો.રાવે ચાર્જ સંભાળ્યા બાદ તમામ શહેરોમાં જઈને ક્રાઈમ કોન્ફરન્સ અને રેન્જની મુલાકાતો કરી હતી.
ગુજરાત સરકારના પોલીસ તંત્રમાં આઈપીએસ ડો.કે.એલ.એન રાવ આવ્યા બાદ નવી રેન્જની સ્વીકૃતિ અપાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૯ રેન્જ હતી. સરકારે બનાસકાંઠાની નવી રેન્જ બનાવી છે. જેમાં મહિલા રેન્જ આઈજી તરીકે પરિક્ષિતા રાઠોડની સૌથી પહેલી નિયુક્તિ છે.
ગુજરાત પોલીસમાં નારી શક્તિ
૧. ગગનદીપ ગંભીર
મૂળ બિહારના ગગનદીપ ગંભીર બાહોશ અને તેજતર્રાર મહિલા આઈપીએસ ઓફિસર છે. ૨૦૦૪ ની બેચના આઈપીએસ ઓફિસરે ઈતિહાસમાં એમએ કર્યા બાદ ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમફિલ કર્યું છે. તેઓ અત્યાર સુધી ગાંધીનગરમાં આઈજી એડમિનિસ્ટ્રેશન તરીકે કાર્યરત હતા. ગગનદીપ ગંભીર ગુજરાત પોલીસ બેડામાં ચર્ચાતું નામ છે.
૨. પરિક્ષિતા રાઠોડ
વર્ષ ૨૦૦૭ ની બેચના આઈપીએસ ઓફિસર પરિક્ષિતા રાઠોડ મહેનતી ઓફિસર તરીકે પ્રખ્યાત છે. તેમને ગુજરાતની નવી બનાસકાંઠા રેન્જનો ચાર્જ સોંપાયો છે. તેઓ અત્યાર સુધી આઈજી સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરમાં કાર્યરત હતા. તેઓ અમદાવાદની રહેવાસી છે. બીએમસી બાદ એમએલડબલ્યુની ડિગ્રી મેળવી છે.
વિધિ ચૌધરી
રાજસ્થાનના રહેવાસી વિધિ ચૌધરી વર્ષ ૨૦૦૯ ની બેચના આઈપીએસ છે. બીએસસી બાદ હિસ્ટ્રીમાં એમએ અને પછી એમડીપીએસનો અભ્યાસ કર્યો હતો. વિધિ ચૌધરી અત્યાર સુધી અમદાવાદના એડિશનલ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) સંભાળી રહ્યા હતા. તેમને પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી બનાવાયા છે. વિધિ ચૌધરીના ભાઈ આઈએએસ ઓફિસર છે.
ત્રણ મહિલા આઈપીએસ ઓફિસરમાં ગગનદીપ ગંભીરને મોટી જવાબદારી સોંપાઈ છે. તેઓને ગુજરાતમાં દારૂની તસ્કરી, ઉપરાંત ક્રાઈમ પર વોચ રાખવી પડશે. અત્યાર સુધી આઈપીએસ નિર્લિપ્ત રાય આ જવાબદારી સંભાળતા હતા. આ સેલ સીધો ડીજીપીને રિપોર્ટ કરે છે. તે સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ રેડ કરી શકે છે, તેવો પાવર અને સત્તા ધરાવે છે. આ સેલનું કાર્યક્ષેત્ર પણ વિશાળ છે. આવામાં ગગનદીપ ગંભીર પર સરકાર અને ગૃહ વિભાગે મોટી જવાબદારી સોંપી છે. તો બીજી તરફ પરિક્ષિતા રાઠોડ રેન્જ આઈજી તરેક બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાનો મોરચો સંભાળશે. તો વિધિ ચૌધરી પંચમહાલ, દાહોદ અને મહીસાગરની કમાન રેન્જ આઈજી બનીને સંભાળશે.