રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના વર્ષ ૨૦૧૨થી સતત સરગમ ક્લબને સોંપી દેવા મામલે વિવાદ સર્જાયો છે. એક નાગરિક દ્વારા કરવામાં આવેલા દાવાને પગલે રાજકોટ કોર્ટે ભાજપના બે નેતાઓ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનોને આ મામલે પક્ષકાર તરીકે જાડીને પોતાનો જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે.
આ મામલે જાગૃત નાગરિક આનંદ વ્યાસે મીડિયાને જણાવ્યું હતું કે, વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સ્ટેડિયમ ૨૦૧૨થી માત્ર ઠરાવના આધારે સરગમ ક્લબને સોંપાયું છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ક્લબને વાર્ષિક રૂ. ૪.૮૦ લાખની ગ્રાન્ટ પણ ફાળવાઇ હતી. ત્યારબાદ ૨૦૧૭થી ૨૦૨૨ અને ૨૦૨૨થી ૨૦૨૭ સુધી પણ ટેન્ડર વગર જ આ સંચાલન ચાલુ રાખવામાં આવ્યું છે.
આ મામલે આર.ટી.આઈ. દ્વારા મળેલી વિગતોના આધારે ગેરકાયદે ઠરાવ રદ કરવા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેને પગલે વર્ષ ૨૦૧૨માં ઠરાવ કરનાર તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાય તથા વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨માં ઠરાવ કરનાર પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ તેમજ કમિટીના અન્ય સભ્યોને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. આ વિવાદ અંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મને હજુ સુધી કોર્ટની લીગલ નોટિસ મળી નથી, પરંતુ ડો. જૈમનભાઈનો ફોન આવ્યો હતો કે અમને પક્ષકાર તરીકે જાડવામાં આવ્યા છે. મારી જાણ મુજબ, ટેન્ડર કે ચાર્જ વિના કંઈ થયું નથી. મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી દરખાસ્ત બાદ જ સ્ટેડિયમનું સંચાલન સોંપાયું હોય છે, જે અંગે અમે કોર્ટમાં અમારો જવાબ રજૂ કરીશું.







































