રાજકોટના પડધરી નજીક દહીસરડા (આજી) ગામે પાટ હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ડૂબી જવાથી ચાર માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પડધરી પાસે આવેલા દહીસરડા ગામે બપોરે ૩ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. શાળામાં અભ્યાસ કરતા ચાર બાળકો પાટ હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમ પાસે ગયા હતા, તે દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબી જવાના કારણે બાળકોના મોત નીપજતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ત્રણ બાળકો અને તેમનો એક ભાણેજ રમતા-રમતા નદીના પટમાં નાહવા ગયા હતા, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થવાથી ચારેયના કરુણ મોત નિપજ્યા છે. આ સમગ્ર બનાવ અંગે દહીસરા ગામના એક શિક્ષક અને પરિવારના સભ્ય લાભજીભાઈ ધમાસણે હકીકત જણાવી હતી કે બાળકો અચાનક જ પાણીમાં ડૂબી ગયા હતા. એકસાથે ચાર વહાલસોયા બાળકો ગુમાવતા પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે. દહીસરા ગામમાં જ્યારે આ ચારેય બાળકોની એકસાથે અંતિમયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો ભારે હૈયે અને અશ્રુભીની આંખે તેમાં જોડાયા હતા. તમામ બાળકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવતા સમગ્ર પડધરી પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મેટોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. મહાવીરસિંહ પરમાર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે હાજર રહીને પરિÂસ્થતિ સંભાળી હતી. ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે જહેમત બાદ પાણીમાંથી ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચેકડેમના પાણીમાંથી બહાર કઢાયેલા ત્રણ મૃતક બાળકોની ઓળખ ધ્યેય મનીષભાઈ ધમાસણા (ઉં.વ. ૧૪, રહે. દહીસરડા), વંશીત વિજયભાઈ ખંભાયતા (ઉં.વ. ૧૫, રહે. ધ્રોલ) અને વાસુ યોગેશભાઈ સવસાણી (ઉં.વ. ૧૨, રહે. રાજકોટ) તરીકે થઈ છે. ચેકડેમમાં ગરકાવ થયેલા ચોથા બાળક દીપ ગંગારામભાઈ રાજપરાનું પણ મોત થઈ ચૂક્યું છે.
એકસાથે માસૂમ બાળકોના અકાળે કરુણ મોત થતાં દહીસરડા ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. નાના એવા ગામમાં સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.








































