બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ચોરા ચોકમાં સ્થિત મુખ્ય રામજી મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રિ-દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ મહોત્સવ અંતર્ગત ૩ સપ્ટેમ્બરે ગુરુવારે ધર્મધ્વજા આરોહણ અને યજ્ઞ મંડપ ભૂમિપૂજન કરાયું હતુ, ત્યારબાદ ૫ સપ્ટેમ્બર, શનિવારે ગણપતિ પૂજન તેમજ સ્થાપિત દેવતા પૂજન સાથે મહોત્સવનો પ્રારંભ થશે. બીજા દિવસે ૬ સપ્ટેમ્બરે જલયાત્રા, શોભાયાત્રા અને નગરયાત્રા યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે ૭ સપ્ટેમ્બર, સોમવારે વિધિવત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બપોરે ચાર વાગ્યે પૂર્ણાહુતિ સાથે આ ધાર્મિક ઉત્સવ સંપન્ન થશે. આ ધાર્મિક કાર્યને લઈને સમગ્ર ગામમાં ભારે ઉત્સાહનો માહોલ છે. મંદિર વ્યવસ્થાપક સમિતિ, રામભક્ત પરિવાર અને ગ્રામજનો દ્વારા તમામ ભક્તજનોને મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.