મોરબી જિલ્લામાં વીજપોલ ઊભા કરવા મુદ્દે વિવાદ વકર્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. મોરબીમાં સીમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા ૨૨ થી વધુ ગામના ખેડૂતો તથા સરપંચ સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે.ત્યારે મોરબી મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ ભેગા મળી નારા બોલાવી વિરોધ નોંધાવ્યો છે.
ખેતરોમાં ઊભા કરાતા વીજપોલના વિરોધમાં ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. ખેડૂતોએ વીજપોલ ઊભા કરવાની કામગીરી બંધ કરવા તંત્રને માંગ કરી છે. ખેડૂતોએ સરકાર તથા તંત્ર સામે આક્ષેપ કરતાં કહ્યું છે કે, આ વીજપોલ તમે ખેતરમાં નહીં પણ, અમારી છાતી પર ઊભા કરી રહ્યા છો. દેવળીયા, ચરાળવા, કડીયાણા સરપળા સહિતના ગામના ખેડૂતો તથા સરપંચો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ત્યારે તંત્રના વલણથી નારાજ ખેડૂતો અને ૨૨ ગામના સરપંચોએ કચેરી ખાતે વિરોધ નોંધાવતા આ મુદ્દે વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે સુખદ સમાધાન લાવવા માટે મોરબી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા.
મામલતદાર કચેરીના પરિસરમાં એકઠા થયેલા ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા ધરતીપુત્રો અને સરપંચોએ કચેરી કમ્પાઉન્ડમાં જ સરકાર અને તંત્ર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. “જય જવાન, જય કિસાન” ના નારાઓથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા તેમની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. મોટી સંખ્યામાં ખેડૂતોને જાઈ કલેકટર સહિતના અધિકારીઓ કચેરી ખાતે દોડી આવીને ખેડૂતો સાથે સુખદ સમાધાન લાવવાના પ્રયાસો કર્યા હતા. જાકે ખેડૂતો પોતાની વાત પર અડગ રહયા હતા.
આ વિવાદમાં ખેડૂત આગેવાનો જેતપર ખાતે આંદોલન કરી રહ્યા છે. જેને હવે સમગ્ર મોરબી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી જનસમર્થન મળી રહ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં મિડિયા સમક્ષ જેતપર આંદોલનને સમર્થન આપ્યું હતું. તથા ખેતરોમાં ચાલી રહેલું વીજપોલ ઊભા કરવાનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માગ કરી હતી.. એક તરફ ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે અને બીજી તરફ તંત્ર કાયદો-વ્યવસ્થા જાળવવા મથામણ કરી રહ્યું છે. ૨૨ ગામના સરપંચો એક થઈ જતાં આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.










































