માહી ડેરીના ૧૫માં સ્થાપના દિને કોડીનાર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મીનેશ શાહે ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત જેન્ડર સોર્ટેડ સીમેન દ્વારા કૃત્રિમ બીજદાન કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.
આ નવીન અને સ્વદેશી ટેકનોલોજી પશુપાલકોની આવક બમણી કરવા તેમજ ડેરી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. સામાન્ય કૃત્રિમ બીજદાનમાં નર કે માદા પશુના જન્મની શક્યતા અડધી-અડધી હોય છે, જ્યારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને ભારત સરકારના સહયોગથી વિકસાવાયેલી આ ટેકનોલોજીના ઉપયોગથી માદા વાછરડી કે પાડીના જન્મની સંભાવના ૯૦ ટકાથી વધુ થઈ જાય છે. તેનાથી ઉત્તમ નસ્લના પશુઓની સંખ્યા વધશે અને દૂધ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, જેમાં માહી ડેરીના ચેરમેન વિજયભાઇ ઓડેદરા અને ચીફ એક્ઝિક્યુટીવ આલોક કુમાર ગુપ્તા સામેલ હતા, તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છના પશુપાલકોને આ આધુનિક પધ્ધતિ અપનાવીને આર્થિક
સમૃધ્ધિ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.