રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પાસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પીઆઇ આર. કે. કરમટા અને પીએસઆઇ વી. એન. જાડેજાની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૧,૧૫૪ પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ ૪૧,૫૮૦ બોટલોનો જથ્થો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. ૧.૫૧ કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સાધનો સહિત કુલ રૂ. ૧.૮૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલક ભૂરારામ કાલુરામ સારણ, રહે. સિંધારી, તાલુકો બાલોત્રા, જિલ્લો રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ સપ્લાયર ખેમા રામ બેનીવાલ, ટ્રક માલિક રામનિવાસ ઉર્ફે રામલાલ મુલતાના રામ, સુનિલ મુલતાના રામ તેમજ યુકેના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર નેટવર્કની વધુ તપાસ ચલાવી રહી છે.










































