રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સતત આઠ દિવસ માવઠું થતા મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન વિ. સમગ્ર પાકને મોટું નુકસાન થયુ છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળીયો ઝૂંટવાય જાય એટલી હદે પાક નાશ પામ્યો છે. એક એકર જમીન પણ એવી ન ગણાય કે જયાં ખેતીપાકને નુકસાન નથી થયું. આ સંજોગોમાં ડિજિટલ સર્વે, મેન્યુઅલ સર્વે, વિવિધ ડોકયુમેન્ટસની લાંબી પ્રક્રિયાને બદલે સરકારે ખેડૂતોને સીધું જ પંચરોજકામ કરી સર્વે કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દીપકભાઇ માલાણીએ આવકાર્યો છે. ખેડૂતોને કુદરતી આફતની નુકસાની સામે પ્રથમવાર આવી સરળ અને ટૂંકી પ્રક્રિયા જાહેર કરેલ છે. આ જાહેરાતને અન્ય સહકારી આગેવાનો મહેશભાઇ લખાણી, જસુભાઇ ખુમાણ, દેવાતભાઇ બલદાણીયા સહિત સાવરકુંડલા તાલુકાના ખેડૂતો, અગ્રણીઓએ વ્યાપક આવકારેલ છે. સાથે જ સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય તેવી પણ રજૂઆત કરી છે.