લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગીરનારમાં મહાશિવરાત્રીને લઈને મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વીઆઈપી કલ્ચર નહીં ચલાવવાને લઈને તંત્ર દ્વારા કડક દાવાઓ કરવામાં આવ્યા હતા. જાકે જયરાજ આહિરે નિયમોના ધજાગરા ઉડાવ્યા છે જેનો એક વીડિયો સામે આવ્યો છે. જે જગ્યા હાલમાં નેતા અને મંત્રીઓ ચાલીને જાય છે ત્યાં માયાભાઈ આહિરનો પુત્ર લક્ઝુરિયસ બસ લઈને ગયો છે.
ભવનાથની તળેટીમાં લાગેલા મેળામાં મહાદેવના દર્શન માટે હજારો ભક્તો આવે છે. જાકે આ ભક્તો પગપાળા દર્શને આવતા હોય છે. પરંતુ માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર અહીંયા બસ લઈને પહોંચ્યો છે જેથી આ મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. વીડિયો સામે આવ્યા બાદ જૂનાગઢના કલેક્ટર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મેળામાં કોઈ પણ પ્રકારનો ટ્રાફિક ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિયમોમાં ખાનગી વાહન અને બાઈકને મેળાની અંદર પ્રવેશની મનાઈ છે. જેથી ભક્તો શાંતિથી મેળાનો આનંદ માણી શકે. આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર, મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો.
ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ થાય છે કે જયરાજ આહિરની બસ જૂના અખાડા સુધી પહોંચી કેવી રીતે. રસ્તામાં ચેકપોસ્ટ આવે છે તો જયરાજ આહિરની બસને રોકવામાં કેમ ન આવી. મેળામાં નિયમોનો જે રીતે ભંગ થયો છે. તેને લઈને આ મુદ્દો હાલ જૂનાગઢ સહિત રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે જયરાજ આહિરે તેના મિત્રો સાથે ભવનાથમાં દર્શન કર્યા અને ત્યાં તેમની ખાનગી બસ ઉભેલી જાવા મળી. આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. જેને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.