બગસરા સરકારી દવાખાનામાં એક ડોકટરની બદલી સુરત મુકામે થઈ ગયા બાદ હવે સમગ્ર તાલુકાની જનતાની આરોગ્ય જવાબદારી માત્ર એક ડોકટરના શીરે આવી પડી છે જેથી આરોગ્ય તપાસણી માટે દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે. બગસરા સરકારી દવાખાનામાં ડાયાલીસીસી સેન્ટર, ઓર્થોપેડીક ડોકટર, સર્જન સહિતના ડોકટરોની માંગણી કરવામાં આવતી હતી. આ ડોકટરોની નિમણૂંક તો થઈ નહી પરંતુ બગસરા સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડો.સાવલીયાની બદલી સુરત મુકામે થઈ જતા ડોકટરની જગ્યા ખાલી પડી છે. બગસરા પંથકમાં આરોગ્ય તપાસણી કરવાની જવાબદારી હવે માત્ર એક ડોકટરના શીરે આવી પડી છે. જા કે અન્ય ગામમાંથી અઠવાડીયામાં ત્રણ વખત ડોકટર આવે છે બાકીના દિવસોમાં એક ડોકટર પર જવાબદારી આવી પડી છે. એક માત્ર ડોકટર પર દર્દીઓની આરોગ્ય તપાસણીની સાથે પોસ્ટમાર્ટમ સહિતની કામગીરી કરવી પડે છે. જેથી તાયફા અને ફોટો સેશનમાં વ્યસ્ત રહેતા નેતાઓ તાત્કાલિક ડોકટરોની નિમણૂંક કરાવે તેવી બગસરા પંથકમાંથી માંગ ઉઠવા પામી છે.