બારેજાની પરિણીતાએ બહેન પાસેથી લગ્નમાં પહેરવા લીધેલો સોનાનો હાર પ્રેમીને આપ્યો હતો. પ્રેમીએ ભાઈ સાથે મળીને હાર ગિરવી મૂક્્યો અને રૂપિયા પણ વાપરી નાખ્યા હતા. હાર કે રૂપિયા પરત ન આપતા પરિણીતાના પરિવારજનોને પ્રેમસંબંધની જાણ થઈ હતી. જેથી પતિ અને સાસુએ પણ ત્રાસ આપી મારઝૂડ કરી હતી. તેથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ અંગે અસલાલી પોલીસે પ્રેમી, તેનો ભાઈ, પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
બાવળાની ઉર્મિલાના લગ્ન વર્ષ ૨૦૧૭માં બારેજાના અમિત બેલદાર સાથે થયા હતા. બે મહિના પહેલા ઉર્મિલાએ પોતાની બહેન ગાયત્રી પાસેથી સોનાનો સેટ લગ્નમાં પહેરવા માટે લીધો હતો. જે સેટ ઉર્મિલાએ તેના પ્રેમી સમીર ઉર્ફે ગુડ્ડુ શેખને આપ્યો હતો. સમીર અને તેના ભાઈ મુસ્તુફાએ તે હાર શ્૧.૬૦ લાખમાં ગિરવી મૂકી રૂપિયા લઈને વાપરી નાખ્યા હતા. જેથી હાર કે રૂપિયા પરત આપ્યા નહોતા. જ્યારે ગાયત્રીબેને હાર પરત માગતા ઉર્મિલાબેનના પ્રેમસંબંધની જાણ પરિવારને થઈ હતી. તેના લીધે જ ઉર્મિલાના પતિ અમિત અને તેની સાસુ મંજુલાએ અવારનવાર ત્રાસ આપી ઉર્મિલાને માર મારતા હોવાથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું છે.
આ અંગે અસલાલી પોલીસે મૃતકના પ્રેમી, તેના ભાઈ, પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે ઉર્મિલાબેનને ચાર વર્ષથી સમીર સાથે પ્રેમસંબંધ હતો.







































