કોંગ્રેસ પાર્ટીએ પંજાબની વર્તમાન રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે ત્રણ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આમાં અજય માકન, મીનાક્ષી નટરાજન અને ભજનલાલ જાટવનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ તેમને તાત્કાલિક અસરથી આ જવાબદારી સોંપી છે. આ નિર્ણય પંજાબ કોંગ્રેસના પ્રભારી ભૂપેશ બઘેલે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ ચર્ચા ન થયાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધા નેતાઓ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી સાથે લડશે. ભૂપેશ બઘેલે ૨ જૂને કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ સાથેની મુલાકાત બાદ આ નિવેદન આપ્યું હતું.
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નેતૃત્વ પરિવર્તન અંગેની અટકળો વિશે પૂછવામાં આવતા, બઘેલે કહ્યું, “મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલે છે. અમે બધાને સાથે લઈ આગળ વધીશું. તેમણે ઉમેર્યું કે આ ફક્ત મીડિયા અટકળો છે. નેતૃત્વ અંગે કોઈ ચર્ચા થઈ નથી, અને કોઈ ફેરફાર થઈ રહ્યો નથી.”
અમરિંદર સિંહ રાજા વારિંગ અંગે, બઘેલે કહ્યું કે તેઓ પીસીસી વડા છે અને રાજ્યમાં આગામી ચૂંટણીઓ ખડગે અને ગાંધીના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય નેતૃત્વ સાથે મળીને ચૂંટણી લડશે. પંજાબની ચૂંટણીઓ આવતા વર્ષની શરૂઆતમાં થવાની છે.
ગુરુવારે, ખડગેએ કોંગ્રેસના તમામ મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખોની બેઠક બોલાવી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલે બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત આસામના ગૌરવ ગોગોઈ, મધ્યપ્રદેશના હરીશ ચૌધરી, તેલંગાણાના બોમ્મા મહેશકુમાર ગૌડ, ગોવાના ગિરીશ ચોડણકર અને પંજાબના અમરિંદર સિંહ રાજા વારિંગ પણ હાજર હતા. એક દિવસ પહેલા, બુધવારે, કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, “એઆઈસીસીના મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખોની એક મહત્વપૂર્ણ બેઠક ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હીના ઈન્દીરા ભવન ખાતે યોજાશે. ત્યાં વર્તમાન રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.”









































