રાજકોટ જિલ્લાની ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનારા આરોપીને ધોરાજીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને ૭ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સગીરા પરના દુષ્કર્મની ઘટનામાં ન્યાયિક પ્રક્રિયાના અંતે મોટો ચુકાદો આવ્યો છે. ૧૫ વર્ષ અને ૯ માસની સગીરા પર દુષ્કર્મ ગુજારનારા આરોપી સુરેશ દલસીંગભાઇ માવીને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસની વિગત જાઇએ તો ૧૨/૦૬/૨૦૨૫ના રોજ આરોપી સુરેશ માવીએ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી સગીરાને લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હતું. આ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વી.સી. પરમાર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી સગીરાને અમદાવાદ અને પોતાના વતન લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
પોલીસ દ્વારા આ કેસમાં સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ (એડી. પી.પી.), કાર્તિકેય મનોજભાઈ પારેખ દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષ દ્વારા એવી તકરાર લેવામાં આવી હતી કે આરોપી બંને પગે ૯૦% અંપગતા ધરાવે છે અને તે શારીરીક સંબંધ બાંધવા સક્ષમ નથી. જાકે, મેડિકલ ઓફિસર ડો. અશોક કાનાણીની જુબાની અને મેડિકલ રિપોર્ટમાં આરોપી શારીરિક સંબંધ બાંધવા સક્ષમ હોવાનું પુરવાર થયું હતું.
ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખે આરોપી સુરેશ દલસીંગભાઈ માવીને સગીરા પરના દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવી પોક્સો એક્ટની કલમ-૬ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જા આરોપી દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે બચાવ પક્ષની એ દલીલ નકારી કાઢી હતી કે આરોપી અપંગ હોવાથી ગુનો કરવા સક્ષમ નથી, અને મેડિકલ પુરાવા તેમજ ભોગ બનનારની મક્કમ જુબાનીને આધારે તેને સજા સંભળાવી હતી.
આ કેસમાં ભોગ બનનાર સગીરાને થયેલા માનસિક આઘાત અને તેના પુનઃવસન માટે સરકારની યોજના હેઠળ ૭ લાખ વળતર ચૂકવવાનો પણ કોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ કેસમાં મદદગારી કરનાર અન્ય આરોપી સુનીલ હીમસીંગ માવી હજુ પોલીસ પકડથી દૂર છે. આ ચુકાદા દ્વારા સમાજમાં બાળકો વિરુદ્ધના ગંભીર ગુનાઓમાં કડક ન્યાયનો સંદેશ આપવામાં આવ્યો છે.