ધારીની અજંટા સોસાયટી પાસે પાર્ક કરેલી ‘છોટા હાથી’ ગાડીમાં ચાલતા રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના સીએનજી પંપથી અત્યંત નજીક બની હોવાથી વિસ્તારમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો. જો આગ પંપ સુધી પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ધારી નગરપાલિકા પાસે ફાયર ફાઈટરની સુવિધાના અભાવે, પાલિકાના જેટિંગ મશીનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન અને સામગ્રી બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. હાલ તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.