ધારીના ગીગાસરણ ગામે ‘તું મને ખડ વાઢવાની ના કેમ પાડે છે?’ તેમ કહી ગાળો આપવાની ઘટના સામે આવી છે. આ અંગે ખોડાભાઈ મંગાભાઈ વાઘેલા (ઉં.વ. ૭૦)એ વનરાજભાઈ દિલીપભાઈ કોટીલા તથા દિલીપભાઈ સુરગભાઈ કોટીલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની વાડીના ખેતરમાં વનરાજભાઈ કોટીલા ખડ વાઢવા ગયા હતા. જેથી ફરિયાદીના દીકરાએ ખડ વાઢવાની ના પાડતાં આરોપીને સારું લાગ્યું નહોતું. તેણે ફરિયાદીના દીકરા સાથે બોલાચાલી કરી ‘તું મને ખડ વાઢવાની ના પાડે છે, તને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. ફરિયાદીના દીકરાએ આ બાબતે તેમને વાત કરતાં, તેમણે ફોન કરીને આ અંગે ઠપકો આપ્યો હતો. જેથી આરોપીએ તેમને પણ ફોનમાં જેમ-ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરેલી એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન. બી. ગોરડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.