ધારી ગીર પૂર્વ વિભાગની દલખાણીયા પરિસરમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર વનતંત્રમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં સિંહબાળનું મોત વીજ કરંટ લાગવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ પોસ્ટમાર્ટમમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યરને કારણે થયુ હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ વનતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક તેને કબજામાં લઈ નિયમ મુજબ મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જ્યારે ઘટનાના સાચા કારણ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી હતી. આ ઘટના બે દિવસ પહેલા દલખાણીયા ગામના રેવન્યૂ વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. સિંહબાળનું મોત અકસ્માતે થયું છે કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભોગ બન્યું છે તે જાણવા માટે વનતંત્રની અનેક ટીમો સતત તપાસમાં લાગી ગઈ હતી જેમાં સમગ્ર વિસ્તારનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ તેમજ જ્યાં ઘટના બની હોવાનું માનવામાં આવે છે ત્યાંથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વનતંત્રે શંકાના આધારે કેટલાક સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કોઈ મહત્વની માહિતી મળે તે માટે આસપાસના વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ શરૂઆતમાં સિંહબાળનો મૃતદેહ કોણે ત્યાં પહોંચાડ્‌યો અને ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નહોતી. જેના કારણે સમગ્ર મામલો ગોપનીય રાખવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા પણ ઉઠી હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસને વધુ ઝડપી બનાવવા સૂચના આપી હતી. ત્યારબાદ વનતંત્રની વિવિધ ટીમો સતત કામગીરી કરી હતી. આ અંગે ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે વીજ કરંટના મોતની આશંકાને લઈ પીજીવીસીએલની ટીમને સાથે સમગ્ર વિસ્તારનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. જેમાં વીજ કરંટને લઈ સિંહ બાળનુ મોત થયુ હોવાનુ સ્પષ્ટ થયુ નહોતુ. પોસ્ટમાર્ટમ રીપોર્ટમાં સિંહબાળનુ મોત મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થવાને કારણે થયુ હોવાનું સામે આવ્યું છે. સિંહબાળ ૬ માસનું હોવાનું અંતમાં ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતુ.