અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવાના અને વાહનવ્યવહાર વધુ સુગમ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત આજરોજ કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અમરેલીના તરકતળાવ મુકામે મહત્વપૂર્ણ માર્ગના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તરકતળાવથી દેવરાજીયા સુધીના અંદાજે ૩.૫ કિલોમીટર લાંબા ગ્રામ્ય રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.લાંબા સમયથી સ્થાનિક લોકો દ્વારા આ માર્ગને વધુ સારો બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. હવે આ માર્ગનું કામ શરૂ થતાં બંને ગામો વચ્ચેનો તેમજ આસપાસના વિસ્તારનો વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુગમ બનશે. રસ્તો મજબૂત બનવાથી ખેડૂતો અને ગ્રામજનોને પણ આવનજાવનમાં સરળતા રહેશે.રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓને પાકા રસ્તાથી જોડવા એ સરકારની પ્રાથમિકતા છે. તરકતળાવ-દેવરાજીયા રોડના રિસર્ફેસિંગથી સ્થાનિક ખેડૂતો અને નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે. અમરેલી તાલુકામાં અનેક વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને અનેક વિકાસ પ્રકલ્પો હાલ પ્રગતિ હેઠળ છે તેમ તેમણે જણાવ્યું હતું.આ માર્ગના આધુનિકીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળની ગ્રાન્ટ અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર માર્ગના રિસર્ફેસિંગ માટે અંદાજે રૂ.૧.૭૦ કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રસ્તાની કામગીરી ગુણવત્તાયુક્ત રહે અને ચોમાસા દરમિયાન પણ માર્ગ સુરક્ષિત રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે.ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકાના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, તરકતળાવ સરપંચ અને પંચાયત સભ્યો સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










































