જાફરાબાદ-રાજુલા હાઈવે પર બાપા સીતારામની મઢુલી વાય પોઈન્ટ પાસે જૂની અદાવત રાખીને એક પરિવાર પર હુમલો કરવાની અને યુવતીની છેડતી કરવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ સંદર્ભે જાફરાબાદમાં રહેતી દિવ્યાબેન માયાભાઇ બારૈયા (ઉ.વ.૨૫)એ નીખીલભાઇ પ્રેમજીભાઇ સોલંકી તથા હરેશભાઇ કરશનભાઇ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી યુવતીના કાકા સાથે અગાઉ આરોપીઓને માથાકૂટ થઈ હતી. આ બાબતની અદાવત રાખીને આરોપીઓએ બાપા સીતારામની મઢુલી પાસે ફરિયાદી પરિવારને આંતર્યો હતો. નીખીલભાઈ સોલંકીએ તેમનો હાથ પકડી તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેણે પહેરેલી કુર્તી ખેંચીને ફાડી નાખતા મામલો બિચક્યો હતો. જ્યારે યુવતીનો પરિવાર તેને બચાવવા વચ્ચે પડ્‌યો, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને તેના પિતા અને ભાઈ પર લાકડીઓ તેમજ ઢીકાપાટુ વડે હુમલો કરી મૂઢમાર માર્યો હતો. તેમજ તેના પરિવારને છરી બતાવી ગંદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.