ખાંભા શહેરના પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન માનકેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત ધારણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભૂદેવોએ પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરી ધાર્મિક સંસ્કારોનું પાલન કર્યું હતું. આ સમગ્ર વિધિ મહેશ દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભૂદેવો, બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વાતાવરણ વચ્ચે સૌએ માનકેશ્વર દાદાના ચરણોમાં શ્રધ્ધાપૂર્વક વંદન કરી સર્વના સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞોપવિત ધારણ કરીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાને જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.









































