ખાંભા તાલુકાના બોરાળા ગામે એક વિશાળકાય મગર કૂવામાં ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. આ મગર ગામના ખેડૂત ધીરુભાઈ વાઘાણીની વાડીમાં આવેલા એક ખાલી કૂવામાં અચાનક ખાબક્યો હતો. કૂવામાં મગર હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી તુરંત જ ખાંભા રેન્જ વન વિભાગને આ બાબતે જાણ કરી હતી. વન વિભાગની ટીમ કોઈ પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મગરને સુરક્ષિત બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી હતી.આ રેસ્ક્યુ ઓપરેશન વન વિભાગના આર.એફ.ઓ.ના સીધા માર્ગદર્શન હેઠળ અત્યંત સાવચેતીપૂર્વક કરવામાં આવ્યું હતું. વનકર્મીઓએ ભારે જહેમત બાદ મગરને પાંજરામાં પૂરી કુશળતાપૂર્વક કૂવાની બહાર કાઢ્યો હતો. બહાર કાઢ્યા બાદ વન વિભાગ દ્વારા મગરનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ આ મગરને નજીકની નદીમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.










































