અફઘાનિસ્તાન સામે વનડે શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવી ઈજાને કારણે આખી ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બેંગલુરુમાં બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન પંડ્યાને ક્વાડ્રિસેપ્સ (જાંઘના સ્નાયુ) માં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક તાજેતરમાં આઇપીએલ દરમિયાન કમરના દુખાવાથી સ્વસ્થ થઈ રહ્યો હતો. અહેવાલ અનુસાર રોહિત શર્મા સાથે હાર્દિકને સીઓઇ દ્વારા રમવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે એવું બહાર આવી રહ્યું છે કે ફિટનેસ ટેસ્ટ દરમિયાન શોધાયેલી નવી ઈજાને કારણે તેની વાપસીમાં વિલંબ થયો છે.
અહેવાલો અનુસાર, ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન હાર્દિકે સંપૂર્ણ ૧૦ ઓવર બોલિંગ કરી હતી. જાકે, ટેસ્ટ દરમિયાન તેના ક્વાડ્રિસેપ્સ સ્નાયુમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવાય છે કે ઈજા એટલી ગંભીર છે કે તેને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી પુનર્વસનમાંથી પસાર થવું પડશે. બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રિકવરીમાં લગભગ ત્રણ અઠવાડિયા લાગશે. તેથી, તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં રમી શકશે તેવી કોઈ શક્યતા નથી, કારણ કે ત્યાં સુધીમાં તેનું પુનર્વસન પૂર્ણ થશે નહીં.” જાકે, આ ખુલાસાએ પ્રશ્નો ઉભા કર્યા છે. મંગળવારે ફિટનેસ ક્લીયરન્સ મળ્યા પછી, એક દિવસ પછી જાહેરાત કરવામાં આવી કે તે હવે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં, જેમાં એક નવી ઈજાનો ખુલાસો થયો છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ૧૪ જૂને ધર્મશાળામાં શરૂ થશે. બીજી મેચ ૧૭ જૂને લખનૌમાં અને ત્રીજી ૨૦ જૂને ચેન્નાઈમાં રમાશે. હાર્દિકની ગેરહાજરી ટીમ ઈન્ડીયાના સંતુલનને અસર કરી શકે છે, કારણ કે તે બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પંડ્યાને તાજેતરમાં ભારતીય ટી ૨૦ ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો જેથી તે વનડે ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, અને હાર્દિકને તે યોજનાનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં પગની ઘૂંટીમાં થયેલી ઈજા બાદ ટીમ ઈન્ડીયાને સંતુલન જાળવવામાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ હાર્દિકની ફિટનેસ અંગે વધારાની કાળજી લઈ રહ્યું છે.
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગયા અઠવાડિયે હાર્દિકની ભૂમિકા અંગે ચર્ચા કરતા કહ્યું હતું કે ટીમનો પ્રાથમિક ઉદ્દેશ્ય તેને વનડે ક્રિકેટ માટે સંપૂર્ણપણે ફિટ રાખવાનો છે. અગરકરે કહ્યું, “તે હાલમાં અફઘાનિસ્તાન શ્રેણી માટે વનડે ટીમનો ભાગ છે. જસપ્રીત બુમરાહની જેમ, જા આપણે હાર્દિકને ફિટ રાખી શકીએ અને વનડે ક્રિકેટમાં નિયમિતપણે રમી શકીએ, તો તે અમારી પ્રાથમિકતા છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “તેને ટી ૨૦ ટીમમાંથી બહાર રાખવો એ રોટેશન અને વર્કલોડ મેનેજમેન્ટનો ભાગ છે. જા જરૂર પડે તો અમે તેને ફરીથી ટી ૨૦ ટીમમાં સામેલ કરી શકીએ છીએ.”















































