આલિદર ગામની વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવનાર ૧૮ દીકરીઓનું આલિદર સેવા સહકારી મંડળી દ્વારા સન્માન સમારોહ યોજી સન્માન કરાયું હતું. સ્વર્ગસ્થ અરજણ બાપા વૈંશના સત્કાર્યોની પરંપરાને આગળ વધારતા આ પ્રયાસને ગ્રામજનોએ બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, મંડળીના પ્રમુખ હમીરભાઈ વૈંશ, શારદાબેન બાંભણિયા, જીતુભાઈ બારડ, સરપંચ અમરસિંહભાઈ વાંઝા અને ઉપસરપંચ પ્રતાપસિંહ પઢિયાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડી.કે. સ્પોટ્ર્સ ક્લબ, શક્તિ ગ્રુપ અને પાર્થ ગ્રુપના યુવાનોએ સંચાલન કર્યું હતું. દીકરીઓની સિધ્ધિથી ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી.






































