રાજ્ય સરકારના મંત્રીમંડળે કુંકાવાવ-વડિયા વિસ્તારના ખેડૂતોને આધુનિક કૃષિ બજારની સુવિધાઓ આપવા માટે મોજે કુંકાવાવ મોટી ખાતે ૭ વિઘા જમીન નવી મંજૂર થયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ને ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી APMCનું આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે, જેનાથી ખેડૂતોને ઉપજના વેચાણ માટે વધુ સુવિધાજનક, પારદર્શક અને સુવ્યવસ્થિત વ્યવસ્થાનો લાભ મળશે. અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે ખેડૂતોને ગામની નજીક આધુનિક કૃષિ માર્કેટિંગની સુવિધા આપવી એ સરકારની પ્રાથમિકતા છે. આ નિર્ણય સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે અને કૃષિ ક્ષેત્રના માળખાકીય વિકાસને નવી દિશા આપશે. મંત્રીએ આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.







































