ઉના એસ.ટી. ડેપોના ડેપો મેનેજર તેમજ તેમના સ્ટાફની મનમાની સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેના કારણે વિકાસની વાતો કરતું એસ.ટી. તંત્ર ધોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં રાજુલાથી ડુંગર જવા માટે એસ.ટી. અધિકારીનો હુકમ હોવા છતાં, દીવ-અમદાવાદનો ડ્રાઈવર વાયા વિક્ટર થઈને બસ ચલાવે છે. તા.૦૬ના રોજ ડુંગરથી ૫ાંચ મુસાફરને અમદાવાદ જવાનું હતું, પરંતુ ઉના-અમદાવાદ બસ વિક્ટર થઈને જતી રહેતા મુસાફરો હેરાન થયા હતા. મુસાફરોએ ડેપો મેનેજરને ફોન કરતાં તેમનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, ઉના ડેપોની ઉના-જાફરાબાદ-રાજકોટ રૂટની બસ દરરોજ અનિયમિત ચાલે છે અને વર્ષોથી ચાલતા આ રૂટમાં ભંગાર ગાડીઓ ચલાવવામાં આવે છે, તેમજ દરરોજ ગાડી બદલવામાં આવે છે. એક તરફ એસ.ટી. મોટી મોટી વાતો કરે છે ત્યારે ઉના ડેપોની અમુક ગાડીઓ GPS માં નાખવામાં આવતી ન હોવાથી મુસાફરોને ગાડી ક્યાં પહોંચી તેની ખબર પડતી નથી. આ ઉના ડેપોના કર્મચારીઓની મનમાની સામે એસ.ટી.ના અધિકારીઓ કોઈ પગલાં ભરશે કે કેમ, તે મોટો પ્રશ્ન છે. સામાન્ય રીતે ગાડી મોડી પડે તો ડ્રાઇવર-કંડક્ટરોને સજા કરવામાં આવે છે, ત્યારે આવા અધિકારીઓ સામે શા માટે પગલાં ભરાતા નથી તે એક મોટો સવાલ છે.