નર્મદા જિલ્લાના વનકર્મી પર હુમલો, સરકારી ફરજમાં અડચણ ઉભી કરવી અને ખંડણી સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠરેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ડેડિયાપાડા સેશન્સ કોર્ટે તાજેતરમાં ચૈતર વસાવા સહિત કુલ ૯ આરોપીઓને દોષિત ઠેરવી સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. હવે આ સજા અને દોષિત ઠેરવતા ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.ચૈતર વસાવાએ પોતાની અપીલમાં ટ્રાયલ કોર્ટે આપેલા દોષિત ઠેરવતા ચુકાદાને રદ કરવાની માંગ કરી છે. સાથે જ અપીલની અંતિમ સુનાવણી સુધી સજાના અમલ પર સ્ટે મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.ઉપરાંત આ કેસમાં ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટ એ પણ અલગથી ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. બંને અરજીઓ એક જ ચુકાદા સામે કરવામાં આવી હોવાથી હાઇકોર્ટ તેની સંયુક્ત રીતે સુનાવણી કરે તેવી શક્્યતા છે.આ અગાઉ ડેડિયાપાડા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય દોષિતોને અપીલ દાખલ કરવા માટે સમય મળે તે હેતુથી જામીન મંજૂર કર્યા હતા. તેથી સજા સંભળાવવામાં આવી હોવા છતાં તમામ દોષિતોને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવ્યા નહોતા અને તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક આપવામાં આવી હતી.
અરજદાર પક્ષના વકીલ અર્જુન જાશીએ હાઇકોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કાયદાકીય તેમજ તથ્યાત્મક ભૂલો છે. તેમના જણાવ્યા અનુસાર, કેસમાં રજૂ થયેલા પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને ઉપલબ્ધ સાક્ષીઓના નિવેદનોના આધારે દોષિત ઠેરવવાનો નિર્ણય કાયદાની કસોટી પર ટકી શકે તેમ નથી. તેથી સજા પર સ્ટે આપવાની અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ કરવામાં આવી છે.સરકાર પક્ષ તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવે તેવી શક્્યતા છે. સરકારનું કહેવું હોઈ શકે કે ટ્રાયલ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે જ દોષિત ઠેરવવાનો નિર્ણય કર્યો છે અને તેથી સજાના અમલ પર સ્ટે આપવાનો કોઈ આધાર નથી.ગુજરાત હાઇકોર્ટે બંને અરજીઓને નોંધ પર લઈ વધુ સુનાવણી ૫ ઓગસ્ટના રોજ નિર્ધારિત કરી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સજાના અમલ પર વચગાળાનો સ્ટે આપવો કે નહીં, તેમજ અપીલ સ્વીકારી આગળની કાર્યવાહી કેવી રીતે હાથ ધરવી તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.








































