અમરેલી શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા રૂ. ૩૮૫.૪૮ લાખના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન તા. ૯ જૂન, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૧૧ વાગ્યે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૨૧ આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર્સ સ્થિત રમતગમત સંકુલમાં ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, પીકલ બાલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ કોર્ટ, ક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. સાથે જ જેશિંગપરા અને સલાટ વિસ્તારને જોડતા માર્ગ પર રૂ. ૨૪.૫૮ લાખના ખર્ચે કલ્વર્ટ નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.








































