બ્રાહ્મણ વિરોધી રાજકારણ લેખાંક ૩
(ગતાંકથી આગળ)
આપણે જોઈ રહ્યા છીએ બ્રાહ્મણ વિરોધી રાજકારણ કેવી રીતે શરૂ થયું. તેની પાછળ મેક્સમૂલર, રાબર્ટ કાલ્ડવેલ જેવા અંગ્રેજ તરફીઓ અને ખ્રિસ્તી મિશનરીઓ અને રાજા રામમોહનરાય જેવા અંગ્રેજ તરફી અને મોગલ બાદશાહ તરફી લોકો હતા. રાબર્ટ કાલ્ડવેલે દક્ષિણમાં બીવડાવ્યાં તે પછી ત્યાં જસ્ટિસ પાર્ટી બની અને પેરિયાર નામના સવર્ણ જાતિના જ એક નેતાએ આ બીને ખાતરપાણી નાખી વૃક્ષ બનાવી દીધું. પેરિયાર માનતા હતા કે બંધારણમાં પંથની સ્વતંત્રતા નામના અનુચ્છેદ ૨૫થી લઈ ૨૮ છે તે અસમાનતા વધારનારા છે. અત્યારે જે નવ બૌદ્ધો અને દલિત તરફી કહેવાતા નેતાઓ તેમજ રાહુલ ગાંધી- અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ વારેવારે બંધારણની દુહાઈ દે છે પણ પેરિયાર બંધારણના વિરોધી માત્ર ન હતા, ૨૬ નવેમ્બર ૧૯૫૭ના દિને તેમણે બંધારણની નકલો બાળી પણ હતી. પરંતુ ભારતમાં અનામત માટે એક માત્ર બાબાસાહેબ આંબેડકરને જ યશ આપતા લોકોએ જાણવું જોઈએ કે ભારતમાં અનામત તો હિન્દુ રાજાએ અગાઉ ક્યારની આપી દીધી હતી. ના, પેલી જે વાત છે કે વ્યવસાય જન્મજાત ચાલ્યો આવતો હતો તે એક પ્રકારની અનામત જ છે (તે પણ વાત ખોટી નથી, આજે એ વ્યવસાયો મોટા ભાગે મુસ્લિમો પાસે છે અને બધા સરકારી નોકરી માટે લડે છે), તેવી અનામત નહીં. આજના જેવી જ અનામત. એ અનામત આપનારા બે રાજા (એટલે કે હિન્દુ શાસક) હતા- કોલ્હાપુરના શાહુ મહારાજ અને મૈસૂરના મહારાજા નલવાડી કૃષ્ણરાજ વડિયાર ! યોગાનુયોગ ગણો કે જે ગણો તે, આ બંને તેમજ ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે એક કડી સમાન હતી અને તે હતા અંગ્રેજ નોકર- સ્ટુઅર્ટ ફ્રેઝર. સ્ટુઅર્ટ મિલફાર્ડ ફ્રેઝર બ્રિટિશ સરકારમાં વિદેશ અને રાજકીય બાબતોના વિભાગોમાં અધિકારી હતા. તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા તેનાં પાંચ વર્ષ પછી તેમને શાહુ મહારાજ અને કૃષ્ણકુમારસિંહજીના શિક્ષક તરીકે રાજકોટની રાજકુમાર કાલેજમાં નિમણૂક અપાઈ હતી. ઈ. સ. ૧૮૯૬માં તેઓ મૈસૂરના રાજ્યપાલ અને તેના યુવાન રાજા કૃષ્ણરાજ વડિયારના શિક્ષક બન્યા હતા. આ પૈકી શાહુ મહારાજ અને કૃષ્ણરાજ વડિયારે અનામત જાહેર કરી હતી. ૨૬ જુલાઈ ૧૯૦૨ના દિને એટલે કે ભારતનું બંધારણ ક્રિયાન્વિત થયું તેની લગભગ અડધી સદી પહેલાં જ શાહુ મહારાજે સરકારી નોકરીઓમાં પછાત વર્ગો માટે પચાસ ટકા અનામત જાહેર કરી હતી. તેમણે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ કરી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું. તેમણે વિવિધ જ્ઞાતિઓ માટે છાત્રાલયો બનાવ્યાં હતાં. તેમણે વિધવાઓના પુનઃવિવાહને અનુમતિ આપતો કાયદો બનાવ્યો હતો. તો દેવદાસી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૨ જુલાઈ ૧૯૧૯એ તેમણે આંતરજ્ઞાતીય અને આંતરપંથીય લગ્ન અધિનિયમ બનાવી આ પ્રકારનાં લગ્નોને વૈધાનિક સ્વરૂપ આપવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત તેમના રાજ્યમાં ભોગાવતી નદી પર રાધાનગરી બાંધ બનાવ્યો હતો. (મંદિરના બદલે ડેમના માટે નહેરુને શ્રેય આપતા લોકોએ આંખ પહોળી કરીને આ દસ વાર વાંચવું જોઈએ.) ‘નહેરુના વડા પ્રધાન બન્યા પહેલાં સોય પણ નહોતી બનતી’ તેમ ગર્વ લેતા કાંગ્રેસીઓને જાણ થાય કે શાહુ મહારાજે ઈ. સ. ૧૯૦૬માં શાહુ છત્રપતિ વીવિંગ ઍન્ડ સ્પિનિંગ મિલ બનાવીને લોકોને આજીવિકા આપવાનું કાર્ય પણ કર્યું હતું. તેમણે રાજારામ કાલેજ પણ બનાવી હતી.
શાહુ મહારાજ પેરિયારની જેમ હિન્દુ વિરોધી નહોતા. તેમણે બધી જ જ્ઞાતિનાં બાળકો હિન્દુ ધર્મગ્રંથો ભણી શકે તે માટે વૈદિક શાળાઓ શરૂ કરાવી હતી. તેમણે ઈ. સ. ૧૯૧૭થી ઈ. સ. ૧૯૨૧ દરમિયાન બાબાસાહેબ આંબેડકર સાથે સંબંધો જાળવી રાખ્યા હતા. એટલે આંબેડકર પર તેમના પ્રભાવને પણ નકારી શકાય નહીં. આંબેડકરના સમાચારપત્ર ‘મૂકનાયક’ને તેઓ વિત્ત સહાય આપતા હતા. બંનેએ ૨૧-૨૨ માર્ચ ૧૯૨૦ના દિને અસ્પૃશ્યોના કલ્યાણ અંગે પરિષદનું આયોજન કર્યું હતું. તેમનાં પત્ની લક્ષ્મીબાઈ ખાનવિલકર વડોદરાના હતાં. આમ, ગુજરાત સાથે પણ તેમને સંબંધ હતો.
આ જ રીતે, મૈસૂરના મહારાજા કૃષ્ણરાજ વડિયાર ચોથાને રાજર્ષિ અથવા સંત સમાન રાજા કહેવાતા હતા. પં. મદનમોહન માલવિયએ તેમને ધાર્મિક કહ્યા હતા. આપણે લોકશાહી વિદેશોમાંથી ઉછીની લીધાનું કોઈ કહે તો તેમને કહેવું જોઈએ કે રામાયણના સમયથી તો લોકશાહી હતી જ પરંતુ તાજાં ઉદાહરણોમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મૈસૂરના મહારાજા વડિયાર ચોથાના શાસનમાં પ્રતિનિધિ સભા (આજની લોકસભા) હતી. મહારાજાએ ઈ. સ. ૧૯૧૮માં મૈસૂર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સર લેસ્લી મિલરને પછાત વર્ગોની સમસ્યાઓનું વિશ્લેષણ કરવા નિમ્યા. મિલરે બાદમાં બ્રાહ્મણ સિવાયના વર્ગો માટે સરકારી નોકરીઓમાં ૨૫ ટકા અનામતની ભલામણ કરી હતી. તેનો અમલ મહારાજાએ કર્યો હતો.
તેમણે બાળ વિવાહ પર પ્રતિબંધ મૂક્યો. આત્મનિર્ભરતા માટે તેમણે ચરખાને પ્રોત્સાહન
આભાર – નિહારીકા રવિયા આપતાં ગાંધીજીએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓ માટે કાંગ્રેસને શ્રેય આપતા લોકોએ જાણવું જોઈએ કે બેંગ્લુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આૅફ સાયન્સ મહારાજા વડિયાર ચોથાનાં માતા કેમ્પન ન્જામણ્ણી દેવીનાં શાસનમાં સ્થપાયું હતું ! અને હા, હિન્દુઓને મહિલા સશક્તિકરણ અંગે ઉપદેશો આપતા લોકો પણ જાણી લે કે મહારાણી કેમ્પન ન્જામણ્ણી દેવીએ તેમના પતિ મહારાજા ચમરાજેન્દ્ર વડિયાર દસમાના અવસાન પછી વિધવા તરીકે અલગ રહેવાના બદલે ઈ. સ. ૧૮૦૫થી ઈ. સ. ૧૯૦૨ દરમિયાન શાસન કર્યું હતું. એટલે કે આઈઆઈએસની સ્થાપના પણ ભારતની સ્વતંત્રતાની ઓછામાં ઓછી અડધી સદી પહેલાં તો થઈ ચૂકી હતી.
આજેય તાલિબાનોના શાસનમાં મુસ્લિમ મહિલાઓને ભણવાના ફાંફા છે ત્યારે મહારાજા વડિયાર ચોથાએ ઈ. સ. ૧૯૧૭માં મહિલાઓ માટે વિશેષ સાયન્સ કાલેજ બનાવી હતી ! તેમણે પણ કૃષ્ણરાજ સાગર અને મારાકોનાહલ્લી બાંધ બનાવડાવ્યો હતો. વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા સર સી. વી. રામનને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા ૧૦ એકર ભૂમિ દાનમાં આપી હતી. આ જ કાલમમાં આપણે જોઈ ગયા છીએ કે જેને વૈજ્ઞાનિક અભિગમ માટે શ્રેય આપતા સેક્યુલરો થાકતા નથી તે નહેરુએ સી. વી. રામનની કેવી અવગણના કરી હતી. આનું કારણ એ હતું કે નહેરુ ઈ. સ. ૧૯૪૮માં રામનની પ્રયોગશાળામાં ગયા ત્યારે તાંબાને સોનું સમજી લીધું હતું જેના પર રામને તેમને સત્ય પરખાવી દેતાં કહ્યું હતું કે “મિ. પ્રાઇમ મિનિસ્ટર, ચળકતી બધી ચીજો સોનું નથી હોતી.”
મહારાજા વડિયાર ચતુર્થના શાસનમાં મૈસૂર એશિયામાં હાઇડ્રાઇલેક્ટ્રિક વિદ્યુત ઉત્પન્ન કરનારું પહેલું રાજ્ય બન્યું હતું. (કાંગ્રેસે વર્ષો સુધી આ પ્રાજેક્ટ અમલમાં ન મૂકીને કોલસા પર નિર્ભરતા રાખી.) બેંગ્લુરુ એશિયાનું પહેલું મહાનગર હતું જ્યાં શેરીઓની લાઇટ હતી. (આજનું સ્માર્ટ સિટી !) અત્રે એ પણ નોંધવું જોઈએ કે કોલ્હાપુરના શાહુ મહારાજ ભોંસલે મરાઠા સમુદાયના હતા જે આજે પછાત જાતિમાં આવે છે અને મૈસૂરના મહારાજા વડિયાર ચોથા અરાસુ (ઉર્સ) જ્ઞાતિ પણ પછાત વર્ગમાં આવે છે. જો પછાત વર્ગોને આગળ આવવા ન દેવા હોય તો તેમને બ્રાહ્મણોએ- સવર્ણોએ રાજા કેવી રીતે બનવા દીધા? અંગ્રેજો વિરુદ્ધ જો મંગળ પાંડે, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, બાળ ગંગાધર તિલક જેવા લોકો ક્રાંતિ અને આંદોલન કરી શકતા હોય તો આ રાજાઓ વિરુદ્ધ કેમ ન કર્યું? હવે આવીએ સ્વતંત્રતા પછીના સમયમાં. આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સભાએ અનામત દાખલ કરી પરંતુ સંવિધાન સભામાં માત્ર આંબેડકર જ દલિત નહોતા. અનુસૂચિત જાતિના ૩૩ સભ્યો હતા. કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ કૃષ્ણ એસ. દીક્ષિતે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના દિને કહ્યું હતું કે ડા. આંબેડકરે ભંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં બોલતા ઉલ્લેખ કર્યો હતો કે જો બી. એન. રાવે બંધારણનો ડ્રાફ્‌ટ તૈયાર ન કર્યો હોત તો તેને ઘડાતાં બીજાં ૨૫ વર્ષ નીકળી ગયાં હોત. કૃષ્ણ એસ. દીક્ષિતે નોંધ્યું હતું કે બંધારણની ડ્રાફિં્‌ટગ કમિટીમાં બી. એન. રાવ, અલ્લાદી કૃષ્ણસ્વામી અયર, એન. ગોપાલસ્વામી અયંગર સહિત સાત બ્રાહ્મણ સભ્યો હતા.
આજે બાબાસાહેબ આંબેડકરને માત્ર દલિતોના નેતા બનાવી દેવાયા છે. અને દલિતો પણ તેમને પોતાના જ નેતા તરીકે ચિત્રિત કરે છે, હકીકત એ હતી કે આંબેડકરને મન અન્ય પછાત વર્ગ જેમને આજે ઓબીસી કહે છે તેમનું હિત પણ વસેલું હતું. બંધારણમાં અનુચ્છેદ ૩૪૦ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની દુઃખદ સ્થિતિ તપાસવા પંચ રચવાની રાષ્ટ્રપતિને સત્તા છે. આંબેડકરની વારંવાર વિનંતી છતાં નહેરુએ આવું પંચ સ્થાપવામાં સહેજ પણ રસ ન દાખવતાં (કાશ્મીર, મુસ્લિમો, સમાન નાગરિક સંહિતા સહિત અનેક બીજા મુદ્દે પણ મતભેદોના કારણે) આંબેડકરે ત્યાગપત્ર આપી દીધો હતો. તે પછી ઓબીસી નેતા આર. એલ. ચંદાપુરીએ આંબેડકરને પછાત વર્ગોની એક બેઠકમાં બોલાવ્યા હતા. આનાથી નહેરુ ચોંકી ઉઠ્‌યા હતા કારણકે એસ. સી., એસ. ટી. અને ઓબીસી લોકો ભેગા થાય તેવી શક્યતા ઊભી થઈ રહી હતી.
આથી દબાણ હેઠળ, નહેરુએ કાકાસાહેબ કાલેલકર પંચ તો બનાવી દીધું પરંતુ ન તો તેની ભલામણ સ્વીકારી કે ન તો તેની ચર્ચા સંસદમાં કરી. (આ રીતે લોકશાહીને દૃઢ રીતે અનુસરનારા હતા નેહરુ !) એક રીતે એમ પણ કહી શકાય કે નહેરુ ભલે મુસ્લિમો તરફી હતા, હિન્દુ વિરોધી હતા, પરંતુ તેઓ સવર્ણ તરફી પણ એટલા જ હતા. ૨૭ જૂન ૧૯૬૧ના દિને મુખ્ય પ્રધાનોને લખેલા પત્રોમાં તેમણે નોકરીઓમાં જ્ઞાતિ આધારિત અનામતનો કડક વિરોધ કર્યો હતો. તેનાથી લાયકાતને ઠેસ પહોંચે છે અને ઓછી લાયકાતવાળા નોકરીમાં આવી જાય છે તેમ તેમણે કહ્યું હતું. તેમણે નોકરીના બદલે શિક્ષણમાં પછાત વર્ગોના લોકોને સશક્ત બનાવવાનું સૂચન કર્યું હતું.
(સવર્ણ વિરોધી રાજકીય પક્ષો અને હિંસક સૂત્રોની વાત કરી આવતા સપ્તાહે લેખમાળા સમાપ્ત કરીશું) jaywant.pandya@gmail.com