લાઠી શહેરમાં એસી રીપેરીંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હુમલાની ઘટના સામે આવી હતી. પોતાની દુકાને હાજર રહેલા વેપારી અને તેમને બચાવવા આવેલા સાહેદ પર આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવ અંગે સલીમભાઇ યુનુસભાઇ ગીગાણી એ મોસીનભાઇ સલીમભાઇ કુરેશી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની દુકાને હાજર હતા ત્યારે આરોપીએ ત્યાં આવી એસી રીપેરીંગના કામ બાબતે બોલાચાલી શરૂ કરી હતી. તેમણે સમજાવવા છતાં આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ફરિયાદીએ પોતાના મિત્ર નવાજભાઈને મદદ માટે ફોન કરીને બોલાવ્યા હતા. આરોપીએ નવાજભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા. જ્યારે તેઓ વચ્ચે પડ્‌યા ત્યારે આરોપીએ પોતાની પાસે રહેલા લોખંડની કોઈ ધારદાર વસ્તુ વડે હુમલો  કર્યો હતો. જેમાં તેમને માથાના મધ્યમાં, કપાળે, જમણી આંખના નેણ પાસે અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી નીકળ્યું હતું. જ્યારે સાહેદ નવાજભાઈને દાઢીના ભાગે ધારદાર વસ્તુનો ઘા વાગતા લોહી નીકળ્યું હતું અને હાથની આંગળીમાં પણ મૂઢ માર વાગ્યો હતો.