??????

અમરેલી જિલ્લાના કુંકાવાવ અને વડિયા તાલુકામાં જળસંચય તેમજ સિંચાઈની સુવિધાઓ સુદ્રઢ કરવાના ઉમદા હેતુથી અંદાજે રૂ. ૩.૨૫ કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત માંગપાળ ખાતે વડી ઈરીગેશન યોજનામાં રૂ. ૫૯.૩૩ લાખના ખર્ચે બોક્ષ કલવર્ટ બનાવવામાં આવશે, જ્યારે સાંથળી અને ખડખડ ગામે નવા ચેકડેમોનું નિર્માણ થશે. આ ચેકડેમોના કારણે વિસ્તારમાં કરોડો લિટર જળસંગ્રહ શક્તિમાં વધારો થશે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે મળશે.વધુમાં, મોટા આંકડિયા ગામે સાંસદ ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં તળાવ ઉંડા કરવાની કામગીરીનો શુભારંભ થયો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર જળસંચયને પ્રાથમિકતા આપી રહી છે, જેના ભાગરૂપે કુંકાવાવ-વડિયાના ૪૫ ગામોમાં તળાવો ઉંડા કરવાનું અભિયાન હાથ ધરાશે. આ પ્રસંગે તરઘરી ગામે નવા પંચાયત ઘર અને સ્માર્ટ આર.ઓ. પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટ પ્લાન્ટ દ્વારા ગ્રામજનોને સ્માર્ટ કાર્ડની મદદથી નજીવા દરે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ વિકાસયાત્રા માટે મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ પરશોત્તમભાઈ હિરપરા અને અન્ય સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ્‌સ પૂર્ણ થવાથી વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેતી ક્ષેત્રે નવી સમૃધ્ધિ આવશે.