અમરેલીથી બાબરા વચ્ચેના નેશનલ હાઈવેને ફોર લેન બનાવવાની જોરદાર માંગ ઉઠી છે. સામાજિક આગેવાન પ્રા. જે.એમ. તળાવિયાએ રાજ્યના માર્ગ-મકાન મંત્રી જગદીશભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા અને ભરતભાઈ સુતરિયાને રજૂઆત પત્ર પાઠવ્યો છે.આ માર્ગ અમરેલીથી રાજકોટ, જામનગર અને કચ્છ સહિતના મહત્વના જિલ્લાઓને જોડતો હોવાથી અહીં વાહનોની સતત અવરજવર રહે છે. વર્ષ ૨૦૧૮ બાદ આ સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવે ૧૫૧ માં અપગ્રેડ કરાયો છે, જે મહુવા, સાવરકુંડલા અને આટકોટ થઈ રાજકોટ સુધી પહોંચે છે. હાલમાં આ ૩૦ થી ૩૨ કિલોમીટરના માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે અને રસ્તો સાંકડો હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. ઓવરટેકિંગ દરમિયાન અકસ્માતો વધી રહ્યા છે અને આ ટૂંકું અંતર કાપવામાં વાહનચાલકોને ૪૫ થી ૬૦ મિનિટ જેટલો સમય વેડફાઈ રહ્યો છે, જેથી આ હાઈવેને તાકીદે ફોર લેન બનાવવો અનિવાર્ય બન્યો છે.










































