અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં જૂના વાહનોના વ્યવહાર અંગે એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ નવા આદેશ અનુસાર, હવે કોઈપણ જૂની મોટરસાયકલ, સ્કૂટર, થ્રી-વ્હીલર કે ફોર-વ્હીલર વાહનોનું વેચાણ કરનાર અને ખરીદનાર બંને પક્ષોએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે. આ રજિસ્ટરમાં વેચનાર અને ખરીદનારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ, એન્જિન અને ચેસીસ નંબર તેમજ વાહન વેચવાનું સચોટ કારણ જેવી તમામ વિગતોની ઝેરોક્ષ નકલ રાખવી પડશે. વધુમાં, વેપારીઓએ ગ્રાહકને ફરજિયાત બિલ આપવું પડશે અને ઓળખના પુરાવા મેળવવાના રહેશે. આ આદેશ આગામી તા. ૧૪ મે, ૨૦૨૬ સુધી અમલી રહેશે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.