અમરેલી નગરપાલિકા દ્વારા જેશીંગપરા પટેલવાડી ખાતે સેવાસેતુ કાર્યક્રમ (શહેરી)ના ૧૨મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો હેતુ ૧૩ સરકારી વિભાગોની ૫૫ પ્રકારની સેવાઓની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ગંગા સ્વરૂપા યોજના અને નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ ૧૮ લાભાર્થીઓને સ્થળ પર મંજૂરીના હુકમો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવકના દાખલા, રેશનકાર્ડ, જન્મ-મરણના પ્રમાણપત્રો અને આધારકાર્ડ સહિતની સેવાઓનો ૪૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં મૌલિકભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ ચોટલીયા, ધર્મેશભાઈ અજાણી, ગિરીશભાઈ ત્રાપસીયા, પુનમબેન સાવલીયા, ભાવનાબેન દેસાઈ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.