અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળાઓમાં આશ્રય અપાયો

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા રાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૩૮૦ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજુલાના વિક્ટર ગામેથી ૨૫, સાવરકુંડલા પંથકમાંથી ૨૧૫, જાફરાબાદના ઘારાબંદર ગામેથી ૪૦ અને ધારીના ચલાલા ગામેથી અંદાજે ૧૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ લોકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં આશ્રય અપાયો છે, જ્યાં રહેવા, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, ફાયર વિભાગ અને સમગ્ર સરકારી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.