અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ભવ્ય વિસર્જન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદથી અમરેલી શહેર સહિત રાજુલા, જાફરાબાદ, લીલીયા, બાબરા, બગસરા, ખાંભા, દામનગર, ધારી અને સાવરકુંડલા જેવા વિસ્તારોમાં વિસર્જન કાર્યક્રમો શરૂ થયા હતા. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તો ડીજેના તાલે નૃત્ય કરતા, ભજન-કીર્તન ગાતા અને અબીલ-ગુલાલ ઉડાવતા શોભાયાત્રા સ્વરૂપે ગણપતિની મૂર્તિઓને વિસર્જન સ્થળે લઈ ગયા હતા. સ્થાનિક નદીઓ, તળાવો અને ડેમોમાં વહીવટી તંત્રની દેખરેખ હેઠળ વિસર્જન પ્રક્રિયા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ અઘટિત ઘટના ન બને. “અગલે બરસ તું જલ્દી આ” ના નાદ સાથે ગણપતિ બાપ્પાને આવતા વર્ષે પુનઃ પધારવા પ્રાર્થના સાથે વિદાય આપવામાં આવી હતી.







































