ગુજરાત સરકારની વર્ષ ૨૦૨૬-૨૭ની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ અમરેલી જિલ્લામાં વિવિધ
કૃષિ સાધનો માટે ખેડૂતોને પૂર્વમંજૂરી આપવામાં આવી રહી છે. આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર મળેલી અરજીઓના ઓનલાઈન ડ્રોના આધારે તાલુકાવાર લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. પૂર્વમંજૂરી મેળવનાર ખેડૂતોને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી છે. ખેડૂતો પોર્ટલ પરથી પૂર્વમંજૂરી પત્ર ડાઉનલોડ કરી ૩૦ દિવસમાં માન્ય ડીલર પાસેથી સાધન ખરીદી પૂર્ણ કરશે. ત્યારબાદ પાકું બિલ, આધાર સહિતના જરૂરી દસ્તાવેજો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરી ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીમાં સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે. વધુ માહિતી માટે તાલુકા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.